મારો કેરલ પ્રવાસ

 


વ્યક્તિ 3

દિવસ 11

મુસાફરી 4 દિવસ

ફરવાનું 7 દિવસ

ખર્ચ 30,000


લખાણનો હેતુ

કેટલાક મિત્રોનો આગ્રહ હતો કે તમે આ પ્રવાસનું વિગતવાર લખાણ લખો એટલે મેં તદ્દન ઔપચારિક લખાણ કર્યું છે. લાંબા લચક સાહિત્યિક લખાણો જાણી જોઈને કર્યા નથી.અહીં માત્ર પ્રવાસની માહિતી જ આપવાનો આશય છે.જેથી કોઈને જવું હોય તો આ લખાણ ઉપયોગી થાય.


તારીખ 16 10 2025 ને ગુરુવારે પાટણથી અમદાવાદ બસમાં ગયા.ત્યારબાદ અમદાવાદથી ટ્રેનમાં બેસીને ત્રિશુર ગયા.અમદાવાદથી ત્રિશુર 34 કલાકનો રસ્તો છે ત્રિશુર બે દિવસ રહ્યા અને ત્રિશુલમાં એક મિત્રના દીકરાનું લગ્ન હતું જે એટેન્ડ કર્યું.ત્યારબાદ ત્રિશુરમાં જોવાલાયક સ્થળમાં ભરતજીનું એક અત્યંત પ્રાચીન મંદિર છે એ મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી.આ મંદિર આપણા માટે ખાસ પ્રચલિત નથી પરંતુ મંદિર જોયા પછી એવું લાગ્યું કે ખરેખર આ મંદિરમાં એકવાર જવું જોઈએ.તદ્દન તેના અસલ સ્વરૂપમાં છે અને અત્યંત પ્રાચીન છે.તે મંદિરમાં આસપાસના કોઈ ગામનું સંગીત મંડળ આવેલું હતું અને એમણે શરણાઈ અને ઢોલકથી ભગવાનની આગળ જે પ્રાર્થના કરી તે જોવાની અને સાંભળવાની ખૂબ જ મજા આવી.



બીજા દિવસે અમે ત્રિશૂરથી રેલવેમાં બેસીને એર્નાકુલમ ગયા આ રસ્તો એક કલાકનો છે એર્નાકુલમ ને ઘણા લોકો કોચિં પણ કહે છે હકીકતમાં અર્નાકુલમ એ શહેરનું નામ છે અને અર્નાકુલમની સામે દરિયામાં જે ટાપુ છે એ ટાપુનું નામ કોચિન છે જ્યાં વાસ્કો દગામાં આવ્યો હતો અને ડચ લોકોનો પેલેસ છે અને યહૂદી લોકોનું મંદિર એટલે કે સીનાગોગ છે.અર્નાકુલમ માં ખાસ કશું જોવાલાયક નથી પણ હોડીમાં બેસીને કોચીન જઈને ડચ પેલેસ તથા વાસ્કો દગામાનો પેલેસ વગેરે જોવાલાયક ગણાય.દરમિયાન દરિયાની અંદર લાંગરેલા મોટા મોટા જહાજો જોવાની પણ ખૂબ મજા આવે છે હકીકતમાં આ દરિયો એ બે નદીનો સંગમ સ્થાન છે આમ શરૂઆતમાં બે નદી દેખાય છે અને આગળ જતા અરબ સાગર દેખાય છે ટૂંકમાં અરનાકુલમથી કોચીન (ટાપુ)પર હોડીમાં બેસીને જવાનું છે. માત્ર એક નોંધપાત્ર બાબતે છે કે અર્નાકુલમના મરીન ડ્રાઈવ ઉપરથી કોચિ જવા માટે વોટર મેટ્રોની વ્યવસ્થા થયેલ છે.વોટર મેટ્રોમાં કોઈ ટ્રેનની ધારણા કરવાની જરૂર નથી એ માત્ર એક હોડી જ છે પણ એસી હોલ વાળી મોટી હોડી.


એર્નાકુલમથી ટ્રેનમાં બેસીને ત્રિવેન્દ્રમ ગયા.આ રસ્તો લગભગ 4 કલાકનો છે ત્રિવેન્દ્રમમાં અમે એક હજાર રૂપિયામાંએક રીક્ષા ભાડે કરી કે જે અમને ત્રિવેન્દ્રમના વિવિધ સ્થળો પર ફરવા માટે લઈ જાય.સૌપ્રથમ એ રિક્ષાવાળો અમને પૂવાર બીજ લઈ ગયો.જે તેની સોનેરી રંગની રેતી માટે પ્રખ્યાત છે તેમજ દરિયાના બેક વોટરમાં હોડીમાં પ્રવાસ કરવાનો ખૂબ જ આનંદ આવે છે ત્યારબાદ ત્રિવેન્દ્રમના અન્ય સ્થળો જેવા કે કોવલમ બીચ,આજીમાલા મંદિર તથા અન્ય એક બે સ્થળો જોવા ગયા હતા. જેમાં ખૂબ જ મજા આવી હતી. અજી માલા મંદિરમાં પ્રવેશ માટેની ટિકિટ ૧૦૦ રૂપિયા છે.જે સાંભળીને મને પોતાને એવું થયું કે આ શેના ₹100 લેતા હશે પરંતુ મંદિરની મુલાકાત લીધા પછી થયું કે ખરેખર સો રૂપિયા વસુલ છે.અત્યારના કોઈ શિલ્પીએ શંકર ભગવાનના એક એકથી ચડિયાતા અદભુત શિલ્પો બનાવેલા છે.જે જોઈને મંત્રમુગ્ધ થઈ જવાય છે.જો કે ત્રિવેન્દ્રમનું મુખ્ય સ્થળ એ પદ્મનાભ ભગવાનનું મંદિર છે.જેની નીચે ખજાનાના છ ભોયરા આવેલા છે અને આ ભોયરાની અંદરની સંપત્તિ કોઈ કલ્પના ન કરી શકે એટલી છે.મંદિરની અંદર વિષ્ણુ ભગવાન શેષનાગ પર આરામ ફરમાવતા હોય તેવી વિશાળ મૂર્તિ છે.મંદિરની ભવ્યતા પણ ગજબની છે.આ મંદિરનું ધાર્મિક મહાત્મ્ય ખૂબ જ છે.અમારી હોટેલ મંદિરની તદ્દન બાજુમાં જ હતી એટલે ચાલીને મંદિરે જઈ શકાય એટલું નજીક હતું.પુવાર બીજ ઉપર હોડીમાં બેસવાની એક જણની ટિકિટ 1500 રૂપિયા છે.બે કલાક હોડીમાં બેસવાનું હોય છે પણ બેઠા પછી લાગે કે પૈસા વસૂલ છે.


ત્રિવેન્દ્રમથી બીજા દિવસે સવારે અમે ટ્રેનમાં બેસીને કન્યા કુમારી ગયા હતા.કન્યાકુમારી અમારે ગુજરાત ભવનમાં રોકાવાનું હતું.ગુજરાત ભવનમાં રહેવાનો ખર્ચો સાવ મામુલી છે તેમજ શુદ્ધ ગુજરાતી ભોજન મળે છે.એટલે ખૂબ જ મજા આવે છે.ગુજરાત ભવનથી ફરવાના સ્થળ તરીકે જે કોઈ સ્થળો છે એ તમામ સ્થળો સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ ની આસપાસ જ છે.ગુજરાત ભવનથી વિવેકાનંદ મેમોરિયલ સુધી ચાલીને જઈ શકાય એટલું નજીક છે.ત્યાં વિવેકાનંદની મૂર્તિ છે બાજુમાં સંત તિરુવલ્લુવરની મૂર્તિ છે અને આ બંનેને જોડતો વચ્ચે જે બ્રિજ છે તે કાચનો બ્રિજ છે. કાચના ઉપર આપણે ચાલી પણ શકીએ છીએ અને કાચની નીચે દરિયો ઉછાળા મારતો દેખાય છે. જે જોવાની ખૂબ જ મજા આવે છે.આ સિવાય એક જૂનું મંદિર છે અને બાકી એક નાનકડો બીચ છે જ્યાં તમે નહાવાનો લાભ લઈ શકો છો.કન્યાકુમારીમાં ત્રણ સમુદ્ર ભેગા થાય છે જ્યાં સનસેટ અને સૂર્યોદયનો પણ લાભ લઈ શકાય છે.વિવેકાનંદ વિવેકાનંદના મેમોરિયલ સુધી હોડીમાં બેસીને જવું પડે છે જેમાં એક જણની ટિકિટ ૧૦૦ રૂપિયા હોય છે. 


કન્યાકુમારીથી અમે મદુરાઈ ગયા હતા જોકે કન્યાકુમારીથી મદુરાઈની સીધી ટ્રેન મળવાથી કન્યાકુમારીથી 15 કિલોમીટર રિક્ષામાં બેસીને નાગર કોઈલ જવું પડે છે અને નાગર કોઈલ થી મદુરાઈની ટ્રેન મળી હતી.લગભગ ત્રણ કલાકની મુસાફરી પછી મદુરાઈ ઉતર્યા.ત્યાં મીનાક્ષી મંદિરમાં દર્શન કર્યા ત્યારબાદ રીક્ષા ભાડે કરી અને મદુરાઇના અન્ય સ્થળો જેવા કે એક પેલેસ,ખ્રિસ્તી ચર્ચ ગાંધી પ્રદર્શન,પુરાતત્વ મ્યુઝિયમ વગેરે સ્થળો જોવા ગયા.જો કે મારે ખાસ કહેવું છે કે મદુરાઈમાં મીનાક્ષી મંદિર અને પેલેસ સિવાય બીજા સ્થળો જોવા ન જઈએ તો ચાલે. મદુરાઈનો આ પેલેસ ખરેખર જોવાલાયક છે ત્યાં બોમ્બે ફિલ્મના એક ગીત कहना ही क्या....નું શૂટિંગ પણ થયેલું છે. (you can check the song in YouTube)મદુરાઈમાં પણ ગુજરાતી ભવન અને ગુજરાતી ભોજન પ્રાપ્ય છે. મદુરાઈમાં ભગવતી મોહન નામનું એક ભોજનાલય છે.જેનો સ્વાદ ઘરના ભોજનને પણ ટક્કર મારે એવો હોય છે.અહીંયા જમવાનું ચૂકવું નહીં.


મદુરાઈથી અમે ચાર કલાકની મુસાફરી કરી ટ્રેનમાં બેસીને રામેશ્વરમ પહોંચ્યા હતા.મદુરાઈ થી રામેશ્વરમમાં પ્રવેશ કરીએ એટલે રેલવે દરિયા પર થઈને પસાર થાય છે.જે વખતે રેલવેની ગતિ અત્યંત ધીમી હોય છે અને દરિયામાં ભરતી હોય તો ઘણી વખત દરિયાના પાણીની છાલકો રેલવેના ડબ્બામાં પણ આવી જતી હોય છે જે અત્યંત આનંદદાયક હોય છે. રેલવેના બ્રિજનું નામ પમ્બન બ્રિજ છે. પમ્બન બ્રિજ એવી રીતે બનાવવામાં આવેલો છે કે દરિયામાં કોઈ જહાજ પસાર થાય તો પમ્બન બ્રિજ ખુલે છે અને જહાજ પસાર થઈ જાય એટલે પમ્બન બ્રિજ બંધ થઈ જાય જેના ઉપરથી રેલવે પસાર થાય છે.(આવું જોવા માટે ઘણા લોકો ઇંગ્લેન્ડમાં Tems નદીના બ્રિજને જોવા જાય છે)ત્યારબાદ અમે રામેશ્વરમાં ટ્રેનમાંથી ઉતરીને ગુજરાતી ભવન પહોંચ્યા. ગુજરાતી ભવન રામેશ્વરના મુખ્ય મંદિરથી માત્ર સો મીટરના અંતરે છે તેમ જ ગુજરાતી ભવનની પાછળ દરિયો પણ આવેલો છે જે જગ્યાનું નામ અગ્નિ તીર્થ છે.ગુજરાતી ભવનમાં રહેવાનો ખર્ચ અત્યંત મામુલી છે.તેમ જ જમવામાં ગુજરાતી ભોજન મળે છે.રામેશ્વરમાં ભગવાન રામેશ્વરના દર્શન કર્યા બાદ ધનુષકોડી ગયા. ધનુષ કોડી એટલે એક સમયનો રામસેતુ. જે રામે લંકા જવા માટે બાંધ્યો હતો.ધનુષ કોડીની ખાસિયત એ છે કે આ રોડ 16 કિલોમીટર લાંબો છે જેની જમણી બાજુ હિંદ મહાસાગર છે અને ડાબી બાજુ અરબ સાગર છે.વચ્ચે આપણી રીક્ષા દોડતી હોય.આમાં મજાની વાત એ છે કે હિંદ મહાસાગરનું પાણી જબરદસ્ત ઉછાળા મારતું હોય છે જ્યારે અરબ સાગર તદ્દન શાંત હોય છે.એક જ જગ્યાએ ઊભા રહીને બંને સમુદ્રો એકસાથે જોવાની અને બંને સમુદ્રની સ્થિતિઓ એકબીજાથી વિરુધ્ધ હોય એ જોવું એ અત્યંત રોમાંચક છે.હિંદ મહાસાગરના દરિયાનો ઉછાળો એટલો બધો હોય છે કે એની છાલકો રિક્ષામાં આવી જાય.સળંગ 16 km સુધી દરિયાની વચ્ચે આવો રોડ છે જેમાં મુસાફરી કરવી એ અત્યંત રોમાંચક બાબત છે.ધનુષ કોડીના લાસ્ટ બિન્દુ ઉપર જઈએ ત્યાં રિક્ષામાંથી ઉતરીને ફરવાની અને ફોટા પડાવવાની ખૂબ જ મજા આવે છે.આ સ્થળે જતા વચ્ચે પણ બે ત્રણ સ્થળો આવે છે.(૧)વિભીષણનું મંદિર(૨) રામજરોખા નામનું નાનકડું મંદિર(૩)એક ખંડેર બની ગયેલું ચર્ચ(૪)ખંડેર બની ગયેલું રેલ્વે સ્ટેશન.હકીકતમાં 1964માં ધનુષકોડીમાં ભયંકર વાવાઝોડું આવેલું.એ વખતે આ આખું ગામ નાશ પામ્યું હતું જેના ભાગરૂપે જૂનું રેલ્વે સ્ટેશન તેમજ આ ચર્ચના ખંડેરો આપણને દેખાય છે.જેના પરથી વાવાઝોડાની ભયાનકતાનો ખ્યાલ આવે છે.ધનુષકોડી જવું એ અત્યંત રોમાંચક સફર હોય છે.રામેશ્વરમ થી પાંચ કિલોમીટર દૂર ડોક્ટર અબ્દુલ કલામનું સ્મારક બનાવેલું છે. કારણ કે રામેશ્વરમ એ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક તેમજ મિસાઈલ મેન તરીકે જાણીતા શ્રી અબ્દુલ કલામનું વતન હતું.જ્યાં તમે પ્રાઇવેટ રીક્ષા કરશો તો ઘણો મોટો ખર્ચો થશે પરંતુ લોકલ રિક્ષામાં જશો તો માત્ર 20 રૂપિયામાં જઈ શકાય છે.અથવા સરકારી બસમાં જશો તો પણ માત્ર 20 રૂપિયા ટિકિટ છે.એ સ્થળ હાઇવે પર આવેલું હોવાથી રીક્ષાઓ અત્યંત સરળતાથી મળી રહે છે.રામેશ્વરમથી લગભગ 25 km દૂર મંડપમ નામના ગામે એક સારું એક્વેરિયમ એટલે કે માછલીઘર પણ આવેલું છે જ્યાં જવાનો મારો મેળ પડ્યો નથી.કોઈને જો અનુકૂળતા હોય તો ત્યાંની સ્થાનિક બસમાં કે રીક્ષામાં બેસીને જઈ આવવું જોઈએ.


રામેશ્વરમ અમારું છેલ્લું સ્થળ હતું એટલે શુક્રવારે રાત્રે રામેશ્વરમથી 10:30 વાગે ટ્રેનમાં બેઠા અને 50 કલાકની મુસાફરી કર્યા બાદ અમે રવિવારે રાત્રે એક વાગે અમદાવાદ ઉતર્યા અને ત્યારબાદ અમદાવાદથી બસ પકડીને સવારે પાંચ વાગ્યે પાટણ આવ્યા. 


ખર્ચ બાબતે

મારા સમગ્ર પ્રવાસમાં મેં માત્ર બે જ ટિકિટ લીધી હતી.પ્રથમ ટિકિટ અમદાવાદથી ત્રિશૂરની હતી અને બીજી રામેશ્વરમથી અમદાવાદની હતી.અમે કુલ ત્રણ જણ પ્રવાસમાં ગયા હતા. ત્રણ જણની અમદાવાદથી અમદાવાદની રેલવેમાં સ્લીપર કોચની ટિકિટ માત્ર 5600 થઈ હતી.વચ્ચે રેલવેની જે કોઈ ટિકિટો ખરીદેલી તેનો કુલ ખર્ચો ₹1000 થયો હતો. આમ ટિકિટનો કુલ ખર્ચો 6600 રૂ. થયો હતો.આ સમગ્ર પ્રવાસનો કુલ ખર્ચ 30,000 રૂપિયા થયો. આમાં કોઈ પણ પ્રકારની ખરીદી સામેલ નથી.માત્ર મૂળભૂત ખર્ચા ગણેલ છે.


કોઈપણ સ્થળે તમે રીક્ષા ભાડે કરો તો એવરેજ 1000 રૂપિયા ખર્ચ થતો હોય છે.કોઈપણ સ્થળે હોટલમાં રૂમ ભાડે રાખો તો એક દિવસનું રૂમનું ભાડું એવરેજ 1500 રૂપિયા થતું હોય છે.આ જ પ્રવાસ મેં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળાની બસમાં કર્યો હોત તો કેટલો ખર્ચો થયો હોત એ આપ વિચારી શકો.



પ્રવાસ અંગે સૂચનો

(૧) પ્રવાસમાં ખરીદીનો આગ્રહ રાખવો નહીં કારણ કે ખરીદી કર્યા પછી વસ્તુ ઉપાડીને આપણે ઘેર આવવું પડે છે જે અત્યંત કષ્ટદાયક હોય છે.આથી પ્રવાસમાં ખરીદી જોઈ વિચારીને કરવી.

(૨) પ્રવાસમાં વધારે ફરવાનો અને સારી રીતે રહેવાનો આગ્રહ રાખવો જોઈએ.

(૩) પ્રવાસમાં એક બાબત એ ધ્યાનમાં રાખવી કે પ્રવાસ વખતે ખાવામાં ખૂબ જ કંટ્રોલ રાખવો.બને ત્યાં સુધી ઓછું ખાવું અને ભૂખ્યા રહેવાય તો પણ કશો વાંધો નથી.કારણ કે પ્રવાસમાં ગયા પછી તબિયત બગડે તો અત્યંત વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે આથી ખાવા ઉપર ખૂબ જ કંટ્રોલ રાખવો.ઘેર આવીને જેટલું ખાવું હોય એટલું ખાવાની છૂટ છે. (૫) બીજા દિવસે પ્રવાસમાં જે સ્થળે જવાના હોઈએ તે સ્થળના વિડિયો youtube પર સારી રીતે જોઈ લેવા અને અભ્યાસ કરી લેવો કે જે તે શહેરમાં કયા સ્થળો જોવા અને કયા છોડી દેવા.you tube માં એટલા સરસ વિડીયો બનાવવામાં આવે છે કે જેમાંથી પૂરતું માર્ગદર્શન મળી રહે છે.

(૬) મોબાઇલમાં google મેપ,રેલવેની વેબસાઈટો IRCTC તેમજ WHERE IS MY TRAIN લઈ લેવી અને શીખી લેવી.એડવાન્સ બુકિંગ વગેરેને લઈને પ્રવાસ કરવો ખૂબ જ સરળ બની ગયો છે.એ માટે મને Where is my train નામની એપ્લિકેશન અત્યંત ઉપયોગી થઈ હતી.હું ખરેખર આ એપ્લિકેશન બનાવવા વાળાનો હૃદય પૂર્વક આભાર માનું છું આ એપ્લિકેશનથી રેલવેના સમય વિશે સતત માર્ગદર્શન મળ્યા કરે છે એટલે ખૂબ જ મજા આવે છે.

(૭) દરમિયાન ઘણી બધી પૂછપરછો કરવી પડતી હોય છે જેના માટે ભાષાની આવડત પણ જરૂરી બની જાય છે. અંગ્રેજી આવડતું હોય તો સારી વાત છે પરંતુ ના આવડતું હોય તો કોઈ જાતની તકલીફ પડતી નથી.લગભગ બધાને હિન્દી આવડતું જ હોય છે એટલે ઉકેલ મળી જતા હોય છે. 


ખાસિયત

મને પોતાને એવું લાગતું હતું કે વચ્ચે કોઈ રિઝર્વેશન કરાવેલા નથી એટલે કદાચ બસમાં પણ મુસાફરી કરવી પડશે પરંતુ બન્યું એવું કે મારે માત્ર પાટણથી અમદાવાદ અને અમદાવાદ થી પાટણ જ બસમાં બેસવાનું આવ્યું. બાકી તમામ મુસાફરી રેલવેમાં કરવાની થઈ.


મને પોતાને રેડીમેડ ટુરમાં જવાનું ગમતું નથી.મને પોતાની રીતે આયોજન કરવાનું ગમે છે એટલે હું મારી રીતે જ પ્રવાસમાં જાઉં છું અને પ્રવાસનો સાચો આનંદ ઉઠાવવો હોય તો પોતાની રીતે જ પ્રવાસ કરવો જોઈએ.આર્થિક રીતે સસ્તુ તો પડે જ છે પરંતુ એમાં મજા વધારે આવે છે. મારો અનુભવ છે કે પ્રવાસ સ્વતંત્ર રીતે કરવાથી જ મજા આવે છે




કર્દમભાઈ મોદી

M.Sc.,M.Ed.

આચાર્ય

પી.પી પટેલ હાઇસ્કુલ

ચાણસ્મા

મો. 82 380 580 94

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ટોમ એન્ડ જેરી

અલ્યા ભણ નહીતો રહી જઇશ