રોહન વાર્તા

 વાર્તા : રોહન


રોહન એક બાર વર્ષનો છોકરો હતો. ખૂબ જ ભલો અને દયાળુ હતો.એના માતા-પિતાએ એનામાં ખૂબ સારા સંસ્કારનું સિંચન કર્યું હતું. રોહન હંમેશા એની માતા-પિતાનો કહેલું માનતો હતો.માતા પિતાનું કોઈ પણ કામ એ રસપૂર્વક કરતો હતો.એટલું જ નહીં મહોલ્લામાં પણ કોઈ એની મદદ માંગે તો તરત જ એ દોડીને બધાનું કામ કરતો હતો.રોહન શાળાએ જતો તો હંમેશા માતા-પિતાને પગે લાગીને જતો.શાળાએથી આવીને પણ એ તરત જ માતા પિતાને પગે લાગતો.શાળામાં પોતાના શિક્ષકને પણ પગે લાગતો હતો.આ પ્રકારે રોહન ખૂબ જ સેવાભાવી છોકરો હોવાને લીધે એના મિત્રો ક્યારેક એની મજાક મશ્કરી પણ કરી લેતા હતા.રોહનને એના મિત્રો સેવાભાવી કહીને ચીડવતા હતા. રોહનના મિત્રો એને ચીડવે તો એ હંમેશા હસી કાઢતો હતો અને બધાને કહેતો કે હું કંઈ ખોટું કરું તો તમે ચોક્કસ કહેજો પણ હાલ તમે જે વાત પર મને ચીડવો છો એ તો હું કદી એ બંધ નહીં કરું કારણ કે મને ખબર છે કે હું કંઈક સારું કરી રહ્યો છું.એક માણસ બીજા માણસને મદદ નહીં કરે તો કોણ કરશે? કોઈ પશુ પક્ષી કે વૃક્ષો તો માણસને મદદ કરવાના નથી.એટલે હું મદદ કરું છું.વળી મારા માતા પિતાએ પણ મને આવું શીખવાડ્યું છે અને આપણી શાળામાં આપણા સાહેબો પણ આપણને આવું જ કરવાનું કહે છે એટલે હું તો આ પ્રમાણે કરવાનો જ છું તમને ના ગમે તો કંઈ વાંધો નહી.આમ કહીને રોહન હંમેશા મિત્રોની વાતો હળવાશતી લેતો એટલે ક્યારેક મિત્રોને એ ગમતું નહોતું અને મિત્રો એના ઉપર ચીડાતા હતા.પરંતુ એમની પાસે રોહનને હેરાન કરવાનો બીજો કોઈ રસ્તો ન હતો એટલે એમણે રોહનને કશું કહેવાનું બંધ કર્યું.


શાળામાં પણ રોહન રોજ વહેલો આવીને પોતાના વર્ગની સફાઈ કરી નાખતો હતો. વર્ગખંડના કાળા પાટિયાને પણ એ પાણીનું પોતુ લઈને ચોખ્ખું કરી દેતો હતો. શાળાની લોબીમાં પણ ક્યાંક કચરો પડ્યો હોય તો રોહનને ગમે નહીં એટલે રોહન એ કાગળના ડુચા વીણીને સળગાવી નાખતો હતો.એના આ પ્રકારના સેવાભાવી સ્વભાવને લઈને શાળાની અંદર પણ એને મિત્રો "વગર પગારનો પટાવાળો" એવું કહીને ચીડવતા હતા.પરંતુ રોહનને કોઈની પડી નહોતી. એ પોતાની મસ્તીમાં મસ્ત રહેતો હતો. કારણ કે એને સેવા કર્યો કરવાનું ખૂબ ગમતું હતું.એટલું જ નહીં સાહેબો પણ કોઈ નાનું મોટું કામ સોંપે તો એ દોડીને કરી દેતો હતો.એટલે ઘણા વિદ્યાર્થીઓ એને એવું કહેતા કે તારે પરીક્ષામાં સાહેબો પાસેથી વધારે માર્ક્સ લેવા છે એટલે તું સાહેબનું કામ દોડી દોડીને કરે છે.પણ રોહન હકીકતમાં ભણવામાં જ એટલો બધો હોશિયાર હતો કે એને ખોટી રીતે કોઈ માર્ક્સ લેવાની જરૂર જ નહોતી.રોહન પોતાની શાળાનું ગૃહકાર્ય તેમજ અભ્યાસ ખૂબ જ નિયમિત રીતે કરતો હતો.એના લીધે શાળામાં એ હંમેશા ઊંચી ટકાવારી મેળવતો હતો. જોકે એના મિત્રો એને ખોટી રીતે પરિણામ લાવે છે એમ કહીને ચીડવવાનું છોડતા નહોતા.


એક વખત એવું બન્યું કે શાળામાં એક શિક્ષક પોતાના વર્ગખંડમાં ભણાવતા હતા.સામે રોહન બેઠેલો હતો અને અચાનક શિક્ષકની તબિયત બગડી ગઈ અને શિક્ષકને ઉધરસ આવવા માંડી.બધા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા.પરંતુ કોઈ કશું બોલ્યું નહીં.એવામાં રોહન એકદમ સાહેબની નજીક જઈને ઉભો રહી ગયો અને પૂછવા માંડ્યો કે સાહેબ શું થયું? સાહેબે ઈશારાથી કહ્યું કે કશું થયું નથી પરંતુ રોહન સમજતો હતો કે સાહેબને કંઈક મોટી તકલીફ થઈ છે.એટલે દોડીને પાણી લેવા ગયો. થોડીવારમાં પાણી લઈને પાછો આવ્યો ત્યારે બધા વિદ્યાર્થીઓ એના પર હસવા માંડ્યા કે જો સાહેબનો પટાવાળો પાણી લઈને આવ્યો.પરંતુ રોહનને કોઈના હસવાની પડી નહોતી.એણે પાણીનો ગ્લાસ સાહેબ સામે ધર્યો ત્યારે એણે જોયું તો સાહેબને વધારે તબિયત બગડવાથી ઉલટી થઈ ગઈ હતી.જે જોઈને બધા વિદ્યાર્થીઓ મોઢા મચકોડવા માંડ્યા પરંતુ કોઈ આગળ આવતું નહોતું.થોડીવારમાં રોહન શાળાના અન્ય સાહેબોને બોલાવી લાવ્યો અને બધાએ મળીને સાહેબને દવાખાને પહોંચાડ્યા તે દરમિયાન મોટો પ્રશ્ન એ ઉભો થયો કે વર્ગમાં કરેલી ઉલટીને સાફ કોણ કરે? રોહન તો પહેલેથી જ સેવાભાવી હતો એટલે રોહને બધાને કહ્યું કે આ સફાઈ કરવામાં તમે મારી મદદ કરશો તો મને ગમશે.પરંતુ કોઈએ રોહનનો સાથ ના આપ્યો.ઉપરથી બધા હસવા માંડ્યા કે અમે આવું ગંદુ કામ ન કરીએ.હદ તો ત્યારે થઈ ગઈ કે શાળાના પટાવાળાએ પણ ના પાડી દીધી. ત્યારે રોહન બહાર જઈને એક ડોલ પાણી ભરી લાવ્યો અને ઝાડું લઈને જાતે જ એ સફાઈ કરી નાખી અને રૂમને ચોખ્ખો કરી દીધો.જોકે એ વખતે બધા વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા હતા કારણ કે કોઈને ગંદકીમાં ઊભા રહેવું પોસાય તેમ નહોતું.


આ વાતને ઘણા વર્ષો વીતી ગયા.રોહન પણ પોતાનું શાળાનું શિક્ષણ પતાવીને અન્ય જગ્યાએ ભણવા ચાલ્યો ગયો. લોકો રોહનને તેમજ રોહનની વાતોને પણ ભૂલી ગયા.રોહને હવે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું અને તે નોકરીની શોધમાં ફરતો હતો.


એક વખત રોહન એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો.ત્યારે ઇન્ટરવ્યૂ આપવા ઘણા બધા યુવાનો આવેલા હતા.બધાના મોઢા ઉપર ગભરાટ હતો.બધાને મનમાં એવો ભાર હતો કે મને નોકરીમાં લેશે કે નહીં.પરંતુ રોહન એક બાજુ શાંતિથી બેઠો હતો.ત્યારબાદ એક પછી એક યુવાનોને અંદર બોલાવીને ઇન્ટરવ્યૂ શરૂ કરવામાં આવ્યા. 


ઇન્ટરવ્યૂમાં યુવકોને પોતે લીધેલા શિક્ષણ વિશે જાતજાતના પ્રશ્નો પૂછવામાં આવ્યા.બધા યુવકોએ પોતપોતાની રીતે જવાબ આપ્યા.જ્યારે રોહનનો વારો આવ્યો ત્યારે રાબેતા મુજબ રોહનને પણ ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા.પરંતુ બે ત્રણ પ્રશ્નોના જવાબ રોહનથી આપી શકાયા નહીં.ત્યારે રોહનને થોડું દુઃખ થયું પરંતુ એણે પોતાની સ્વસ્થતા ન ગુમાવી. ત્યારે એના મનમાં થયું હતું કે પ્રશ્નોના જવાબ હું નથી આપી શક્યો એટલે ઇન્ટરવ્યૂમાં હું પસંદ થઈશ નહીં.પરંતુ હકીકતમાં કંઈક જુદું જ થયું.


સમગ્ર ઇન્ટરવ્યૂ પૂરો થયા પછી જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યું. ત્યારે રોહનને ખબર પડી કે એનાથી સારા જવાબો આપનારા યુવકો હોવા છતાં રોહનની પસંદગી થઈ હતી.એક ક્ષણ માટે રોહન ખુશીથી ઝુમી ઉઠ્યો.પરંતુ પછી તેને તરત જ ચમકારો થયો કે મેં કેટલાક પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપ્યા નહોતા છતાં પણ મારી પસંદગી થઈ એ ખરેખર આશ્ચર્યની વાત છે.પરંતુ રોહન થોડીવાર મૌન રહ્યો અને મનોમન પોતાના માતા પિતા શિક્ષક તેમજ ભગવાનનો આભાર માનવા માંડ્યો.


થોડીવાર પછી રોહનને ઓફિસમાં બોલાવવામાં આવ્યો અને રોહનની સાથે વધારે ચર્ચા કરવામાં આવી.વધારે પ્રશ્નો પૂછવામાં આવ્યા.ત્યારે એક સાહેબે કહ્યું કે તમારી પસંદગી થઈ છે તો તમને કેવું લાગે છે?તમારા મનમાં કેવી લાગણી ઉદ્ભવે છે?ત્યારે રોહને જવાબ આપ્યો કે સાહેબ મને ખૂબ જ આનંદની લાગણી થાય છે પરંતુ મને એવું લાગે છે કે મારા કરતાં પણ વધારે હોશિયાર યુવકો ઇન્ટરવ્યૂમાં હતા છતાં પણ મારી પસંદગી કેવી રીતે થઈ?


ત્યારે એક સાહેબે જવાબ આપ્યો કે તમારી વાત તદ્દન સાચી છે.તમારા કરતાં પણ વધારે હોશિયાર વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા.પરંતુ અમે તમારી પસંદગી એટલા માટે કરી છે કે અમારી કંપની માટે અમને માત્ર જ્ઞાનવાળા વ્યક્તિની જરૂર નહોતી.સાથે માનવતાવાળા વ્યક્તિની પણ જરૂર હતી. તમારા બધા જ પ્રશ્નોની અંદર તમારી માનવતાની લાગણી ઉડીને આંખે વળગે એવી હતી.અમારી કંપની માટે અમને માત્ર એક કર્મચારી નહીં પણ એક સારો માણસ પણ જોઈએ છે. જે અમને તમારામાં દેખાયો.એટલે અમે તમારી પસંદગી કરી.એટલું જ નહીં અમારી કમિટીના જે મુખ્ય સાહેબ છે એ તમને નામથી ઓળખતા હતા.એટલે એમણે પણ તમારા જ નામનું સૂચન કર્યું હતું. ત્યારે રોહનને અત્યંત આશ્ચર્ય થયું.એટલે એણે પૂછ્યું કે" એ સાહેબ મને કેવી રીતે ઓળખે?" હું તો એક સામાન્ય વ્યક્તિ છું.


ત્યારે એમણે જવાબ આપ્યો કે અમારા ઉપરી સાહેબ છે એમના પિતાજી શિક્ષક હતા અને તમે એમના વિદ્યાર્થી હતા.એ સાહેબ પોતાના ઘરમાં રોજ તમારા વખાણ કરતા હતા એટલે અમારા ઉપરી સાહેબ તમને નામથી ઓળખતા હતા. એમને ખબર હતી કે મારા પિતાજીના જીવનમાં રોહન નામનો એક સારો વિદ્યાર્થી હતો અને અહીંયા તમે જે રીતે જવાબ આપ્યા તે જવાબો પરથી અમારા સાહેબને લાગ્યું કે આ એ જ રોહન છે કે જેની વાતો મારા પિતાજી ઘરમાં કરતા હતા ત્યારે રોહને પોતાની આંખો મીંચી દીધી.તેની આંખોમાંથી બે અશ્રુ બિંદુ સરી પડ્યા અને એણે વધુ એક વાર પોતાના માતા-પિતા શિક્ષક તેમજ ભગવાનનો આભાર માન્યો. 


કર્દમ મોદી 

આચાર્ય 

પીપી પટેલ હાઈસ્કૂલ ચાણસ્મા

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ટોમ એન્ડ જેરી

અલ્યા ભણ નહીતો રહી જઇશ