મારો મુંબઈ પ્રવાસ

 મારો મુંબઈનો પ્રવાસ


મુંબઈ એ પ્રવાસ માટેનું એટલું સામાન્ય સ્થળ છે કે કોઈને આ વર્ણન વાંચીને એમ લાગશે કે મુંબઈના પ્રવાસ વિશે શું લખવાનું? મુંબઈ તો બધાએ જોયેલું હોય. પરંતુ અહીંયા મુંબઈની સાથે અન્ય કેટલાક સ્થળો વિશે પણ વિગતવાર લખવાનો ઉપક્રમ છે.તારીખ 24 ની રાત્રે અમદાવાદથી ટ્રેનમાં બેસીને અમે 25 મીએ સીધા દાદર પહોંચ્યા.


25/12/2025

દાદર થી છત્રપતિ શિવાજી ટર્મિનસ(CST)પર પહોંચ્યા ત્યાં રેલવેના ક્લોક રૂમમાં સામાન જમા કરાવ્યો જેથી અમારે સામાન લઈને ફરવું ન પડે.રેલવેના ક્લોક રૂમ વિશે પણ જાણવા જેવું છે દરેક રેલવે સ્ટેશન પર સામાન રાખવા માટે એક કલોક રૂમ હોય છે જ્યાં તમે તમારો સામાન જમા કરાવીને બજારમાં ફરવા જઈ શકો છો.ત્યાં એક વસ્તુ રાખવાના 24 કલાકના 30 રૂપિયા ખર્ચ થાય છે.શરત એટલી કે તમારા સામાનને ફરજિયાત તાળું લાગેલું હોવું જોઈએ. ત્યાં સામાન જમા કરાવીને અમે સીધા ગેટ વે ઓફ ઇન્ડિયા પર ગયા.ત્યાંથી 200 રૂપિયાની ટિકિટ ખરીદીને અમે હોડીમાં બેઠા.દરિયા માર્ગે લગભગ સવા કલાકની મુસાફરી કરીને અમે માંડવા બીચ પહોંચ્યા.માંડવા બીચથી એ જ ટિકિટ પર બસમાં મુસાફરી કરીને અમે અલીબાગ પહોંચ્યા.અલીબાગ એ એક શહેરનું નામ છે જે  નાનું શહેર છે.ત્યાં હોટલમાં એક રૂમ લીધો.ત્યારબાદ અલીબાગ ખાતેના બે બીચની મુલાકાત લીધી બંને બીચ ઉપર સુંદર દરિયાકાંઠો છે અને વોટર રાઈડ છે. જેમાં બાળકોને ખૂબ મજા આવે છે.અલીબાગમાં એક વિઠોબાનું મંદિર છે જે મને અત્યંત ગમ્યું.એ મંદિરમાં હજુ ભવિષ્યમાં બીજી વખત જવાની પણ મારી ઈચ્છા છે. ત્યારબાદ સાંજ પડી ગઈ એટલે અમે અલીબાગમાં હોટલમાં રૂમ રાખેલો હતો એમાં સૂઈ ગયા.


26/12/2025

બીજા દિવસે વહેલા ઊઠીને અમે અલીબાગથી બસમાં બેસી ને 60 કિલોમીટર દૂર આવેલા મુરુડ જજીરા નામના ગામે ગયા.મુરુડ એ ગામનું નામ છે અને જજીરા એક કિલ્લો છે જજીરાના કિલ્લા પર જવા માટે મુરુડથી હોડીમાં બેસવું પડે છે.લગભગ અડધા કિલોમીટરનું અંતર કાપે એટલે આ કિલ્લો આવે છે.આ કિલો સંપૂર્ણપણે પાણીની અંદર આવેલો છે. આશરે 500 વર્ષ જૂનો આ કિલ્લો સીદી રાજાએ બનાવેલો છે ત્યારબાદ ઘણા યુદ્ધો થયા અને ઘણા બધા રાજાઓના હાથમાં આ કિલ્લો ફરતો રહ્યો લગભગ 50 વર્ષ પહેલા તો આ કિલ્લાની અંદર લોકો પણ રહેતા હતા.પરંતુ ત્યારબાદ સરકારે આ કિલ્લાને હસ્તગત કરી લીધો અને લોકો નજીકના ગામમાં રહેવા ચાલ્યા ગયા.હોડીમાં બેસવાની ટિકિટ ₹40 છે અને કિલ્લો જોવાની ટિકિટ 25 રૂપિયા છે.આ કિલ્લો જોવો એ જીવનનો એક મોટો લહાવો છે એમ હું માનું છું કારણકે આખો કિલ્લો સદંતર પાણીની અંદર હોવાથી દૂરથી જોઈએ તો કિલ્લો પાણીમાં તરતો હોય અથવા પાણીના ઉપર બનાવેલો હોય એવો લાગે છે.અત્યંત મજબૂત અને અડીખમ એવા અકિલ્લો ખરેખર જોવાલાયક સ્થળ છે.આ કિલ્લાની અંદર ઘણા બધા તૂટેલા ફૂટેલા સ્થાપત્યો પણ છે અને જેમ મંદિરના ઉપર શિખર હોય છે તેવી રીતે આ કિલ્લાનો વચ્ચેનો ભાગ પણ ખૂબ ઊંચો છે જેના ઉપર બેસી ને માત્ર એક માણસ સમગ્ર કિલ્લાની ચોકી કરી શકે કારણ કે એ પોઈન્ટ પરથી કિલ્લાની ચારે બાજુ પાંચ સાત કિલોમીટર સુધીના અંતર સુધી દેખરેખ રાખી શકાય છે આ કિલ્લો જોવો એ મારું ઘણા વર્ષનું જૂનું સપનું હતું.જે આ વખતે સાકાર થયું.કિલ્લો જોઈને અમે હોડીમાં બેસીને પાછા મુરુડ આવ્યા અને મુરુડથી બસમાં બેસીને પાછા અલીબાગ આવ્યા.(વચ્ચે કાશીદ આવે છે જેનો બીચ મનોરમ્ય છે.યુ કાન plan it) અલીબાગથી બસમાં બેસીને માંડવા બીચ આવ્યા.માંડવાથી હોડીમાં બેસીને અમે ગેટ વે ઓફ ઇન્ડિયા આવ્યા.ગેટ ઓફ ઇન્ડિયા પર થોડું ફર્યા અને ફોટા પડ્યા ત્યાર બાદ ભોજન કરીને હોટલમાં એક રૂમ રાખીને અમે સુઈ ગયા.


27/12/2025

બીજા દિવસે મુંબઈ દર્શન કરવા માટે મુંબઈ દર્શન માટેની બસમાં 250 રૂપિયાની ટિકિટ લઈને બેઠા.આ બસમાં બેસવાથી મુંબઈના વિવિધ સ્થળો જોવા મળે છે.જોકે આ બસની યાત્રા એટલી બધી સંતોષકારક રહી નહીં કારણ કે ટ્રાફિક ના લીધે મોટાભાગના સ્થળો કરી શકાતા નથી અને ત્રણ ચાર સ્થળો થઈ શકે છે જેમાં અમે જહાંગીર આર્ટ ગેલેરી,સિદ્ધિવિનાયક મંદિર,થ્રીડી શો અને જુહુ ચોપાટી વગેરે સ્થળો ફર્યા .હવે મને એવું લાગે છે કે મુંબઈ દર્શનની બસમાં બેસાય જ નહીં એના બદલે પોતાની રીતે સ્થળો પસંદ કરી અને ટેક્સીમાં અથવા લોકલ ટ્રેનમાં ફરી લેવું જોઈએ.આ તમામમાં જુહુ ચોપાટી ઉપર થોડી મજા આવે એવું છે અને નેહરુ પ્લેનેટોરિયમ શૈક્ષણિક દ્રષ્ટિએ ફરજિયાત જોવું જોઈએ બાકીના સ્થળોમાં ન જઈએ તો ખાસ વાંધો નહીં. મુંબઈ દર્શન કરતાં કરતાં સાંજ પડી ગઈ એટલે અમે સાંજે અમારા નિવાસસ્થાને જઈને સુઈ ગયા.


28/12/2025

બીજા દિવસે સવારે ઉઠીને અમે એલિફન્ટાની ગુફા જોવા નીકળ્યા.ગેટ વે ઓફ ઇન્ડિયા થી એલિફન્ટાની ટિકિટ ૩૦૦ રૂપિયા છે.એક કલાક સુધી 16 કિલોમીટરના અંતર સુધી હોડી માં બેસીને એલિફન્ટાની ગુફામાં જવાનું હોય છે.એલિફન્ટાની ગુફા જોવાની ત્યાંની ટિકિટ 25 રૂપિયા છે.એલિફન્ટાની ગુફા ઓ એ હકીકતમાં શિવ મંદિરો જ છે.એ લગભગ દોઢ હજાર વર્ષ પહેલા બનાવેલી છે.અત્યારે ઘણા બધા શિલ્પ સ્થાપત્ય તૂટી ગયેલા છે.એનું નામ એલિફન્ટાની ગુફા રાખવાનું કારણ એ છે કે એમાં બે મોટા હાથીના શિલ્પ હતા. જે આજે પણ મુંબઈના અન્ય એક સંગ્રહાલય માં સંગ્રહાયેલા છે. અહીંયા ખૂબ જ શાંતિ અને સૌંદર્ય પડેલું છે.સવારમાં વહેલા જવાથી ભીડ હોતી નથી માટે ખૂબ મજા આવે છે. એલિફન્ટાથી અમે બપોરે 1:00 વાગે મુંબઈ પાછા આવ્યા. ત્યારબાદ ફટાફટ અમારો સામાન પેક કરીને અમે રેલ્વે સ્ટેશન પહોંચ્યા ત્યારબાદ બપોરે ત્રણ વાગે રેલવેમાં બેસીને રાત્રે 1:00 વાગે પાટણ આવ્યા.


હૃદયસ્પર્શી બાબતો 

પાટણથી મુંબઈ (સ્લીપર ક્લાસ) ₹400  

મુંબઈથી મુરુડ ઝઝીરા જળ+જમીન માર્ગ ₹300

મુંબઈ દર્શન બસની ટિકિટ 250

ગેટવે થી એલિફન્ટાની ટિકિટ 300

એલિફન્ટા ગુફાની ટિકિટ 25

3D ફિલ્મની ટિકિટ 200

નહેરુ પ્લેનેટોરિયમની ટિકિટ 100

હોટલ ભાડું1 દિવસમાં 2000

ભોજન ખર્ચ એક દિવસ 400





Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ટોમ એન્ડ જેરી

અલ્યા ભણ નહીતો રહી જઇશ